મુક્તદા અલ સદર કોણ છે? જેમના નામથી જ ભડકી ઉઠી ઈરાકમાં હિંસાની આગ
ઈરાકના શિયા ધર્મગુરુ મુક્તદા-અલ-સદરે રાજનીતિ છોડવાની જાહેરાત કરી છે. આ એલાન પછી તેમના સમર્થકો ભડકી ઉઠ્યા અને ઈરાકમાં ગ્રીન ઝોન પર હુમલો કરી દીધો. સ્થિતિ એ હદે વણસી ગઈ છે ઈરાકમાં કર્ફ્યૂ નાંખવો પડ્યો.
બગદાદ: ઈરાકમાં રાજકીય અસ્થિરતાનો જૂનો ઈતિહાસ છે. પરંતુ સોમવારે શિયા ધર્મગુરુ મુક્તદા અલ સદરે રાજનીતિ છોડવાની જાહેરાત પછી ઈરાકમાં સિવિલ વોર જેવી સ્થિતિનું નિર્માણ થયું. અલ-સદરના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા અને રાજધાનીના ગ્રીન ઝોનમાં હુમલો કરી દીધો. આખી રાત ગ્રીન ઝોનમાં રોકેટ અને ગોળા વરસતા રહ્યા. અલ સદરના 20થી વધારે સમર્થકોના મોત થઈ ગયા, જ્યારે 300થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા. તેની પહેલાં જુલાઈ મહિનામાં પણ તેમના સમર્થકો સંસદની અંદર ઘૂસી ગયા હતા. એવામાં સવાલ એ છે કે આખરે મુક્તદા અલ સદર કોણ છે, જેમના એક ઇશારા પર ઈરાક સળગી રહ્યું છે.
કોણ છે મુક્તદા અલ સદર:
મુક્તદા-અલ- સદર એક શિયા ધર્મગુરુ છે. તે ઈરાકમાં સૌથી શક્તિશાળી નેતાઓમાંથી એક છે. ઓક્ટોબર 2021માં તેમની પાર્ટી ચૂંટણીમાં સૌથી વધારે સીટો સાથે જીતી. પરંતુ તેમને સરકાર બનાવવા માટે જરૂરી બહુમત ન મળ્યો. સદરના પિતા મોહમ્મદ સાદિક અને સસરા મોહમ્મદ બાકીર પણ ઈરાકમાં પ્રભાવશાળી ધર્મગુરુ હતા. બંનેને સદ્દામ હુસૈને મારી નાંખ્યા હતા. સદરની વાત કરીએ તો ભલે તે શિયા હોય પરંતુ ઈરાકમાં ઈરાનની દખલઅંદાજીના વિરોધમાં છે.
અમેરિકાના વિરોધી છે અલ સદર:
અલ સદર પોતાના પિતાની વિચારધારાથી પ્રભાવિત છે. જ્યારે 2003માં સદ્દામ હુસૈનની હત્યા થઈ ત્યારે તે ચર્ચામાં આવ્યા. તેમણે હજારો લોકોને સાથે જોડીને અલ સદરિસ્ટ મૂવમેન્ટની શરૂઆત કરી. આ મૂવમેન્ટમાં મિલિટરી વિંગ પણ છે. જેનું નામ જૈશ અલ મેહદી કે મહેદીની સેના હતી. પછી તેને બદલીને કર સરયા અલ સલામ એટલે શાંતિ બ્રિગેડ કરી દીધું. અલ સદર ભલે ઈરાનના સમર્થક ન હોય પરંતુ તેનો અર્થ એ નથી કે તે અમેરિકાને પસંદ કરે છે. 2003માં આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે સદ્દામ એક નાનો નાગ હતો, પરંતુ અમેરિકા એક મોટો નાગ છે.
લિબરલ હોવાના વિરોધમાં છ અલ સદર:
ઈરાકના સમાજમાં લિબરલ વિચારધારના તે વિરોધી છે. તે સમલૈંગિકો અને મહિલા-પુરુષોના મિક્સ હોવાની નિંદા કરતા રહ્યા છે. 2018માં સદરે એક નવું ગઠબંધન બનાવ્યું અને ઈરાકની પહેલી સંસદીય ચૂંટણીમાં 54 સીટો જીતી. ઈસ્લામિક સ્ટેટની હાર પછી આ ચૂંટણી યોજાઈ હતી. નવી ઈરાકી સરકાર બનાવવામાં તેમણે અમેરિકાના હસ્તક્ષેપને ફગાવ્યો અને તેને એક આક્રમણકારી દેશ ગણાવ્યો. આંતરિક કલહથી પરેશાન દેશમાં સદરે એકવાર ફરી પોતાને બદલ્યો. આ વખતે તેમણે એક ઈરાકી રાષ્ટ્રવાદીના રૂપમાં પોતાને સ્થાપિત કર્યો. તેમણે ઈરાકમાં ઈરાનના પ્રભાવની ટીકા કરી.
ડ્રોન હુમલામાં માંડ-માંડ બચ્યા:
વર્ષ 2019ના ડિસેમ્બરમાં રાજધાની બગદાદ સ્થિત સદરના ઘરે ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. જોકે આ દરમિયાન અલ સદરનું નસીબ સારું રહ્યું કે તે ઘરમાં હાજર ન હતા. આ હુમલામાં તેમનું ઘર ક્ષતિગ્રસ્ત થયું પરંતુ કોઈ જાનહાનિ ન થઈ. 2020માં કાસિમ સુલેમાની પર અમેરિકાના ડ્રોન હુમલા પછી અલ સદરે અમેરિકાની સાથે સુરક્ષા સમજૂતીને તત્કાલ રદ કરવા, અમેરિકી દૂતાવાસને બંધ કરવા અને અમેરિકી સૈનિકોને ઈરાકની બહાર મોકલવાનું આહવાન કર્યુ.
ઈરાન અને અમેરિકાને ધમકી:
વર્ષ 2020માં અલ સદરે ઈરાન અને અમેરિકાને ચેતવણી આપી કે તે પોતાના ઝઘડામાં ઈરાકને સામેલ ન કરે. તેમણે કહ્યું કે ઈરાન અને અમેરિકાના ઝઘડામાં ઈરાક પર સૌથી વધારે અસર રહી છે. ઈરાક અને ઈરાકી લોકો આ ઝઘડામાં પોતાનું નુકસાન કરાવી શકે તેમ નથી. હવે મુક્તદા અલ સદરે રાજનીતિ છોડવાની જાહેરાત કરી છે એટલે તેમના સમર્થકો હિંસક બની ગયા છે.
તેમની દરેક વાત માને છે અનુયાયી:
અલ સદરના અનુયાયી તેમની દરેક વાતને માને છે. તેનો એક નમૂનો આ વર્ષે જુલાઈમાં ત્યારે જોવા મળ્યો જ્યારે તેમના સમર્થક પાર્લામેન્ટમાં ઘૂસી ગયા. અલ સદરે એક નિવેદન જાહેર કરીને તેમને સુરક્ષિત ઘરે પાછા ફરવાનું કહ્યું. જેના પછી તમામ સમર્થકો સંસદની બિલ્ડિંગ છોડીને પાછા જતા રહ્યા. લોકોની ભીડ એકઠી કરવાની ક્ષમતા અને જમીન સાથે જોડાયેલા સમર્થકોના કારણે અલ સદર પોતાના રાજકીય હરિફો પર ભારે પડે છે.